Sunday, August 14, 2011

પહેરી જરકસી જામા કાશ! પ્રભુ મળી જાય સામા;

પહેરી જરકસી જામા કાશ! પ્રભુ મળી જાય સામા;
બેધડક કહી દઉં હું પ્રભુ તમે તો છો સાવ નકામાં.

ખોટો તમારા વાયદા, છે તમારા અંદાજ અલાયદા;
માણસો મરે ભૂખે,તમને ચઢે છપ્પન ભોગના વાના.

ફરે બાળ નાગા પૂંગા તારા ભલે હોય ટાઢ કે તડકો;
કહો ભગવાન મારા,તમને શોભે કેમ જરકસી જામા?

સળવળે લાખો ઘરોમાં ઘોર અંધકાર હર કાળ રાતે;
તો ય મણ મણ ઘી પુરાઈ તમારા અખંડ દિવામાં.

રડી રડી તમને વીનવ્યા, મનાવ્યા કે આવો પાછાં;
ન આવ્યા,ન દેખાયા,કોણ રાખશે હવે અમને છાના?

નથી તમે મંદિરમાં, ન મસ્જિદમાં ને નથી દેવળમાં;
નથી તમે કોઈના દિલમાં,છે ખોટા તમારા સરનામાં.

ચોર્યું હતું માખણ, ફોડી’તી મટકી, વાહ ભાઈ વાહ!
ક્યાં સંતાય ગયા પ્રભુ તમે કરી અવનવા કારનામાં?

નથી તમારો છે કોઈ અતો પતો, ન કોઈ નિશાની;
ને તો ય લખ્યા રાખું ખત સતત તમને હું નનામા.

હતી તમારે છપ્પન હજાર પટ્ટરાણી,ને ઉપરથી રાધા;
તો પ્રભુ દઈ દો નટવરને ય તમે એક વરણાગી વામા
.

No comments: