Wednesday, May 11, 2011

ભોજનનો બગાડ અટકાવો

ખાદ્યાન્નના બગાડની સંસ્કૃતિ:દેશમાં દર વર્ષે એક કરોડ લગ્નો થાય છે. તેના ભોજન સમારંભમાં પીરસાતી ઢગલાબંધ આઈટમોને લીધે જમવા કરતાં વધારે પ્રમાણમાં ભોજનનો બગાડ થાય છે.

ભગવત ગીતામાં કહ્યું છે કે... ‘જીવિત અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ, પ્રાણી હોય કે માનવ, તો જ શાંતિથી અને ચિંતામુક્ત જીવી શકે જો તેની પાસે પર્યાપ્ત ખોરાક હોય. દરેક જીવના અસ્તિત્વ માટે ખોરાક જરૂરી છે. ખોરાક વરસાદથી પેદા થાય છે અને વરસાદ પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યેના ત્યાગના આધારે જ થાય છે. પરમાત્મા પ્રત્યેના સમર્પણ અને ત્યાગ વૈદિક ક્રિયાઓમાંથી ઉદભવે છે.’ (ભગવત ગીતા અધ્યાય ૩.૧૪)

બાઈબલમાં કહ્યું છે કે... ‘જો તમે ભૂખ્યાને ભોજન આપશો અને પીડિતની જરૂરિયાત સંતોષશો તો, તમારી કીર્તિ ઘોર અંધકારમાં પણ ચમકશે અને તમારી ગમગીની બપોરના તડકામાં ધૂંધળું ઝાકળ ઊડે તેમ ઊડી જશે.’ (ઈસાઈયાહ ૫૮.૧૦)

કુરાનમાં કહ્યું છે કે... ‘હે, આદમનાં સંતાનો, તમારી પૂજાનાં સ્થળોનો શણગાર જુઓ કેટલો ભવ્ય છે, તું ખા, પી, મોજ કર પણ ઉડાઉ ના બનીશ. પરમાત્મા ઉડાઉ લોકોને ક્યારેય પ્રેમ નથી કરતો.’ (સુરહ આરાફની આયાત નં.૩૧)

આપણે ખાદ્યાન્નના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરી હોય એમ લાગે છે, પણ આજેય આપણા દેશમાં લાખો લોકો રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે. આ લેખ લખવા પાછળનો હેતુ ખામી ભરેલી ખાદ્યાન્નના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થાના કારણે સર્જાતી બગાડની સમસ્યાઓને સ્પર્શવાનો નથી. આ બાબત નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ખૂબ સક્રિય રીતે હાથ ધરવામાં આવી છે પણ ભારતમાં લગ્નપ્રસંગોમાં ખાદ્યાન્નના બગાડની હારમાળા સર્જાઈ રહી છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે હું પ્રયત્ન કરું છું.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે ઉપભોકતાવાદ અને આડંબર બની જતી ઉજવણીઓ વધી રહી છે, તે આપણા દેશમાં ખાદ્યાન્નના બગાડની એક સંસ્કૃતિ ઊભી કરી રહી છે. ખાદ્યાન્ન માટેનાં સામાજિક-સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રતીકાત્મક મહત્વ તો સમગ્ર વિશ્વમાં છે જ. ગ્રીક પુરાણમાં ‘ડીમીટર’ને ફળદ્રુપતા, કૃષિ અને ઉત્પાદનની દેવી ગણવામાં આવી છે, જ્યારે ‘હેસ્ટિયા’ ચૂલો, ઘર અને રસોઈની અક્ષતા દેવી ગણાય છે.

ભારતમાં આપણાં સાંસ્કૃતિક મૂલ્યો અને સિદ્ધાંતો ખૂબ જ ઉચ્ચકક્ષાના છે. આપણા માટે અતિથિ દેવતૂલ્ય છે. પણ જે રીતે ભારતમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની આવક વધી રહી છે તેના પરિણામે લગ્નો ખાદ્યાન્નના બગાડના સૌથી મોટા નિમિત્ત બની રહ્યા છે. ‘વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ’ના મત પ્રમાણે ભારતમાં દર વર્ષે એક કરોડ લગ્નો યોજાય છે. જો સૌથી નીચલો અંદાજ મૂકીએ તો એક લગ્ન પાછળ સરેરાશ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જો સામાન્ય ગુણાકાર કરીએ તો ભારતમાં દર વર્ષે લગ્નો પાછળ ત્રણ લાખ કરોડ રૂપિયા (ત્રણ ટ્રિલિયન)નો ખર્ચ થાય છે. આ ખર્ચામાં ૩૦થી ૪૦ ટકાનો ખર્ચ ભોજન વ્યવસ્થા માટે કરવામાં આવે છે. 


દેશમાં ભોજનની વ્યવસ્થા કરનારા કેટરર્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. અમદાવાદ શહેરમાં જ ૩૫૦ જેટલા નોંધાયેલા કેટરર્સ છે, જે તમારી કલ્પનાશક્તિથી વિશેષ મેન્યુ ઓફર કરે છે. માત્ર જૈન ભોજન તૈયાર કરવાની સ્પેશિયાલિટી ધરાવતાં કેટરર્સ તમને ૬૦૦ કરતાં પણ વધુ આઈટમ પીરસી શકે છે. તેમાં ૧૫ રાજસ્થાની ડશિ, ૨૦ દક્ષિણ ભારતીય ભોજન, ૨૨ ચાઈનિસ આઈટમ્સ, ૧૫ કોન્ટિનેન્ટલ ડિશિસ અને ૨૫ પ્રકારની મેક્સિકન ડિશિસનો સમાવેશ થાય છે. ત્યારે જૈન સિવાયની ડિશિસમાં આઈટમ્સની સંખ્યા પણ કલ્પી શકો છો. એક ડશિ તમને રૂ.૧૦૦થી રૂ.૫૦૦૦ સુધીમાં પડે, અને ત્યાં જ ખાદ્યાન્નના બગાડનું મૂળ છુપાયેલું છે.

આવી ઉજવણીઓમાં લોકો અઢળક ભોજનનો બગાડ કરે છે, કારણ કે ત્યાં તેમની સામે અનેક વેરાઈટીઝ હોય છે અને દરેક આઈટમનો એક-એક ટુકડો ટેસ્ટ કરતાં હોય છે. અહીં લોકોના પેટમાં જતા ભોજનનું પ્રમાણ બગાડ થતા ભોજનની સામે બહુ નહીવત્ છે.

આવા મોટા પ્રમાણમાં થતાં બગાડની સામે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૯૦ લાખ લોકો ભૂખમરા અને કુપોષણને કારણે મોતને ભેટે છે, જેમાંથી ૫૦ લાખ તો બાળકોની સંખ્યા છે. ૧૨૦ કરોડ લોકો (કેલરી અને પ્રોટીનની ઊણપ સહિત) ભૂખમરાનો સામનો કરે છે અને ૨૦૦થી ૩૫૦ કરોડ લોકો મહત્વના પોષકતત્વો વગરનો ખોરાક ખાવા મજબૂર છે, જેમાં વિટામિન્સ અને મિનરલ્સનો અભાવ હોય છે.

વિચિત્રતા તો એવી છે કે, એક બાજુ વૈદિક શ્લોકોના ધ્વનિ વચ્ચે લગ્નો યોજાઈ રહ્યાં હોય અને પવિત્ર અગ્નિ દેવતાની હાજરીમાં બે જણા જન્મોજનમના બંધન બાંધી રહ્યા હોય, ત્યારે બીજી બાજુ ભવ્યાતભિવ્ય સમારંભમાં એટલું બધું ભોજન બગાડીને આપણે ‘અન્ન દેવતા’ નું અપમાન કરીએ છીએ. આ લેખ વાંચીને શું તમે હવે પછી લગ્નોમાં થતા બગાડ વિશે પુન:વિચાર કરશો...?

ડૉ.. રાજીવ ગુપ્તા, લેખક ગુજરાત સરકારના વરિષ્ઠ સનદી અધિકારી છે.



No comments: