Friday, May 13, 2011

vividh 2

મેં તો વહેતાં ઝરણાને જોયું
ત્યારે મને ખબર પડી
કે પહાડ પણ પીગળી શકે છે !
.- સુરેશ દલાલ

-----------------------------
ગમો ની ફરિયાદ ના કરો
દર્દ ની આઝમાઈશ ના કરો
જે તમારું છે એ તમારી પાસે આવશે તેને સમય પેહેલા પામવાની ખ્વાઇશ ના કરો

----------------------------------------------------------------------------------
ઉભરા હૃદયના કાઢ, પરંતુ બધા નહિ,
ફરિયાદની મજા તો ફક્ત કરકસરમાં છે...
- મરીઝ

-------------------------------------------------
જનાઝા રોક કર મેરા વો કિસ અંદાઝ સે બોલે ;
ગલી હમને કહી થી, તુમ તો દુનિયા છોડે જાતે હો.
- સૈફી

---------------------------------------------------
પૂરના જળની સપાટી ના વધે બસ એટલે
આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયા..
- કિરણ ચૌહાણ

--------------------------------------------
કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.
હરદ્વાર ગોસ્વામી
-------------------------------------
આંખમાંથી કેટલું ભૂંસવું પડે -
આંખ પંખીની પછી દેખાય છે.
 નીતિન વડગામા
--------------------------------------
પરમાત્માની શક્તિ અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.
- મહાવીર સ્વામી
-----------------------------------
'ખિડકી સે દેખા તો રાસ્તે પે કોઈ નહીં થા...રાસ્તે પે આ કે દેખા તો ખિડકી પે કોઈ નહીં થા.'
-------------------------------------------------------------
કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
 વિવેક મનહર ટેલર
--------------------------------------------------------------------------
અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો...
 જગદીશ જોષી
----------------------------------------------------------
જો હું મારો હું છોડું, તો મને મલીસ કે નહિ તું ?
કે પછી મને મળવામાં તને આડો આવે છે તારો હું ?
મારી જ એક કવિતા ની લીટી 

જીવવાની મથામણ

"કેમ લોકો અમથા અમથા અડધા અડધા થઈ જતા હોય છે.,
કેમ લોકો અકારણ મનમાં પુછ્યા વીના વસી જતા હોય છે !

ખેર ,સંબધો નુ હોવુ કે ના હોવુ એમા ક્યા કોઇ કારણ હોય છે,
પરંતુ મળ્યા ને બોલ્યા પછી ના બોલવુ એ રાજકારણ હોય છે !

કોઇ અહી કાયમી સરનામુ લખાવી ને નથી આવ્યુ એય દોસ્ત,
તો પણ શા કારણે ટૂકા રોકાણ ની આ બધી ભાંજગડ હોય છે !

અમે તો ખોલી નાખી છે બંધબાજી ની રમત તમારા સાથ માં,
કોઇ જીતે કે હારે એમા શુ કશી લીધાદીધા ની મથામણ હોય છે !

બસ એક જ વાર લાગી હોય છે જીવન માં,મીઠી કટારી પ્રેમ ની ,
મીરાં ને જઈ ને પુછો , એમાં કેટ કેટ્લી જીવન કહાણી હોય છે !

અને એટ્લે જ મારે તમને આટલુ જ પુછવુ છે "જય રૂપ "
કેમ લોકો અમથા અમથા અડધા અડધા થઈ જતા હોય છે.,!!!"

જયેન્દ્ર રૂપડા......૧૪/૦૫/૨૦૧૧

Wednesday, May 11, 2011

ભોજનનો બગાડ અટકાવો

ખાદ્યાન્નના બગાડની સંસ્કૃતિ:દેશમાં દર વર્ષે એક કરોડ લગ્નો થાય છે. તેના ભોજન સમારંભમાં પીરસાતી ઢગલાબંધ આઈટમોને લીધે જમવા કરતાં વધારે પ્રમાણમાં ભોજનનો બગાડ થાય છે.

ભગવત ગીતામાં કહ્યું છે કે... ‘જીવિત અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ, પ્રાણી હોય કે માનવ, તો જ શાંતિથી અને ચિંતામુક્ત જીવી શકે જો તેની પાસે પર્યાપ્ત ખોરાક હોય. દરેક જીવના અસ્તિત્વ માટે ખોરાક જરૂરી છે. ખોરાક વરસાદથી પેદા થાય છે અને વરસાદ પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યેના ત્યાગના આધારે જ થાય છે. પરમાત્મા પ્રત્યેના સમર્પણ અને ત્યાગ વૈદિક ક્રિયાઓમાંથી ઉદભવે છે.’ (ભગવત ગીતા અધ્યાય ૩.૧૪)

બાઈબલમાં કહ્યું છે કે... ‘જો તમે ભૂખ્યાને ભોજન આપશો અને પીડિતની જરૂરિયાત સંતોષશો તો, તમારી કીર્તિ ઘોર અંધકારમાં પણ ચમકશે અને તમારી ગમગીની બપોરના તડકામાં ધૂંધળું ઝાકળ ઊડે તેમ ઊડી જશે.’ (ઈસાઈયાહ ૫૮.૧૦)

કુરાનમાં કહ્યું છે કે... ‘હે, આદમનાં સંતાનો, તમારી પૂજાનાં સ્થળોનો શણગાર જુઓ કેટલો ભવ્ય છે, તું ખા, પી, મોજ કર પણ ઉડાઉ ના બનીશ. પરમાત્મા ઉડાઉ લોકોને ક્યારેય પ્રેમ નથી કરતો.’ (સુરહ આરાફની આયાત નં.૩૧)

આપણે ખાદ્યાન્નના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરી હોય એમ લાગે છે, પણ આજેય આપણા દેશમાં લાખો લોકો રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે. આ લેખ લખવા પાછળનો હેતુ ખામી ભરેલી ખાદ્યાન્નના સંગ્રહ અને વિતરણની વ્યવસ્થાના કારણે સર્જાતી બગાડની સમસ્યાઓને સ્પર્શવાનો નથી. આ બાબત નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ખૂબ સક્રિય રીતે હાથ ધરવામાં આવી છે પણ ભારતમાં લગ્નપ્રસંગોમાં ખાદ્યાન્નના બગાડની હારમાળા સર્જાઈ રહી છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે હું પ્રયત્ન કરું છું.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે ઉપભોકતાવાદ અને આડંબર બની જતી ઉજવણીઓ વધી રહી છે, તે આપણા દેશમાં ખાદ્યાન્નના બગાડની એક સંસ્કૃતિ ઊભી કરી રહી છે. ખાદ્યાન્ન માટેનાં સામાજિક-સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રતીકાત્મક મહત્વ તો સમગ્ર વિશ્વમાં છે જ. ગ્રીક પુરાણમાં ‘ડીમીટર’ને ફળદ્રુપતા, કૃષિ અને ઉત્પાદનની દેવી ગણવામાં આવી છે, જ્યારે ‘હેસ્ટિયા’ ચૂલો, ઘર અને રસોઈની અક્ષતા દેવી ગણાય છે.

ભારતમાં આપણાં સાંસ્કૃતિક મૂલ્યો અને સિદ્ધાંતો ખૂબ જ ઉચ્ચકક્ષાના છે. આપણા માટે અતિથિ દેવતૂલ્ય છે. પણ જે રીતે ભારતમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની આવક વધી રહી છે તેના પરિણામે લગ્નો ખાદ્યાન્નના બગાડના સૌથી મોટા નિમિત્ત બની રહ્યા છે. ‘વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ’ના મત પ્રમાણે ભારતમાં દર વર્ષે એક કરોડ લગ્નો યોજાય છે. જો સૌથી નીચલો અંદાજ મૂકીએ તો એક લગ્ન પાછળ સરેરાશ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જો સામાન્ય ગુણાકાર કરીએ તો ભારતમાં દર વર્ષે લગ્નો પાછળ ત્રણ લાખ કરોડ રૂપિયા (ત્રણ ટ્રિલિયન)નો ખર્ચ થાય છે. આ ખર્ચામાં ૩૦થી ૪૦ ટકાનો ખર્ચ ભોજન વ્યવસ્થા માટે કરવામાં આવે છે. 


દેશમાં ભોજનની વ્યવસ્થા કરનારા કેટરર્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. અમદાવાદ શહેરમાં જ ૩૫૦ જેટલા નોંધાયેલા કેટરર્સ છે, જે તમારી કલ્પનાશક્તિથી વિશેષ મેન્યુ ઓફર કરે છે. માત્ર જૈન ભોજન તૈયાર કરવાની સ્પેશિયાલિટી ધરાવતાં કેટરર્સ તમને ૬૦૦ કરતાં પણ વધુ આઈટમ પીરસી શકે છે. તેમાં ૧૫ રાજસ્થાની ડશિ, ૨૦ દક્ષિણ ભારતીય ભોજન, ૨૨ ચાઈનિસ આઈટમ્સ, ૧૫ કોન્ટિનેન્ટલ ડિશિસ અને ૨૫ પ્રકારની મેક્સિકન ડિશિસનો સમાવેશ થાય છે. ત્યારે જૈન સિવાયની ડિશિસમાં આઈટમ્સની સંખ્યા પણ કલ્પી શકો છો. એક ડશિ તમને રૂ.૧૦૦થી રૂ.૫૦૦૦ સુધીમાં પડે, અને ત્યાં જ ખાદ્યાન્નના બગાડનું મૂળ છુપાયેલું છે.

આવી ઉજવણીઓમાં લોકો અઢળક ભોજનનો બગાડ કરે છે, કારણ કે ત્યાં તેમની સામે અનેક વેરાઈટીઝ હોય છે અને દરેક આઈટમનો એક-એક ટુકડો ટેસ્ટ કરતાં હોય છે. અહીં લોકોના પેટમાં જતા ભોજનનું પ્રમાણ બગાડ થતા ભોજનની સામે બહુ નહીવત્ છે.

આવા મોટા પ્રમાણમાં થતાં બગાડની સામે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૯૦ લાખ લોકો ભૂખમરા અને કુપોષણને કારણે મોતને ભેટે છે, જેમાંથી ૫૦ લાખ તો બાળકોની સંખ્યા છે. ૧૨૦ કરોડ લોકો (કેલરી અને પ્રોટીનની ઊણપ સહિત) ભૂખમરાનો સામનો કરે છે અને ૨૦૦થી ૩૫૦ કરોડ લોકો મહત્વના પોષકતત્વો વગરનો ખોરાક ખાવા મજબૂર છે, જેમાં વિટામિન્સ અને મિનરલ્સનો અભાવ હોય છે.

વિચિત્રતા તો એવી છે કે, એક બાજુ વૈદિક શ્લોકોના ધ્વનિ વચ્ચે લગ્નો યોજાઈ રહ્યાં હોય અને પવિત્ર અગ્નિ દેવતાની હાજરીમાં બે જણા જન્મોજનમના બંધન બાંધી રહ્યા હોય, ત્યારે બીજી બાજુ ભવ્યાતભિવ્ય સમારંભમાં એટલું બધું ભોજન બગાડીને આપણે ‘અન્ન દેવતા’ નું અપમાન કરીએ છીએ. આ લેખ વાંચીને શું તમે હવે પછી લગ્નોમાં થતા બગાડ વિશે પુન:વિચાર કરશો...?

ડૉ.. રાજીવ ગુપ્તા, લેખક ગુજરાત સરકારના વરિષ્ઠ સનદી અધિકારી છે.



કેમ પડતું નથી બદન હેઠું,

કેમ પડતું નથી બદન હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય બીજું કોઈ જઈ પેઠું.

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ આ રાખથી થતું બેઠું…?

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું ઠીકરું અને એઠું.

- આદિલ મન્સૂરી

Monday, May 9, 2011

સંબંધ વગર જીવવું કેમ ?

સંબંધો અને નસીબને કેટલો સંબંધ છે? નસીબદારની વ્યાખ્યામાં આપણે સંબંધોને કેટલા કાઉન્ટ કરીએ છીએ? સારા સંબંધોને સારા નસીબ કહેવા કે કેમ એ માણસ સંબંધોને કઈ નજરથી જુએ છે તેના પર આધાર રાખે છે. બધું જ હોય અને કોઈ ન હોય એ વ્યક્તિની વેદના બહુ જુદી હોય છે!
 હમણાંએક શિક્ષકને મળવાનું થયું. તેમને વસ્તીગણતરીનું કામ સોંપાયું છે. તેમણે કહેલો એક અનુભવ સંબંધોની સંવેદનાથી ભરપૂર હતો. તેમણે કહ્યું, હું એક ઘરે ગયો. ચાલીસ વર્ષના એક માણસે દરવાજો ઉઘાડ્યો. થોડીવાર એ મારી સામે જોતો રહ્યો. મેં ઓળખાણ આપીને કહ્યું કે વસ્તીગણતરી માટે આવ્યો છું. તેણે મને આવકાર આપ્યો અને ઘરમાં બોલાવી સોફા ઉપર બેસાડ્યો. મેં પૂછ્યાં એ બધા જ સવાલોના તેણે સરસ રીતે જવાબ આપ્યા. મારું કામ પતાવીને ઊભો થવા જતો હતો ત્યાં એ માણસે મને કહ્યું કે, થોડીવાર બેસોને! એ મારા માટે જયુસનો ગ્લાસ ભરી લાવ્યો.
 મનેકહ્યું કે, કેટલા બધા દિવસો પછી મારા ઘરે કોઈ આવ્યું! કોઈના પગરવ વગર ઘણીવખત આપણે ઘરમાં જ ક્યાંક ભૂલા પડી ગયા હોય એવું લાગે! તેણે વાત આગળ વધારી. હું અહીં સાવ એકલો રહું છું. મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરું છું. અમારી કંપનીનાં લોકો વચ્ચે ઘરે આવવા- જવાના સંબંધો બહુ ઓછા છે. જરાક હસીને તેણે કહ્યું કે, અમારી કંપનીમાં પાર્ટીઓ થાય છે પણ હોટલમાં. ત્યારે ઘરે કોણ આવે? ન્યુઝપેપર વેન્ડર અને મિલ્કમેન સવારે ફ્લેટની બહાર છાપાં અને દૂધ મૂકી જાય છે. ઓફિસે જઉં પછી એક માણસ ઘરે આવીને ઘર સાફ કરી જાય છે. ઘરમાં હોઉં છું ત્યારે સાવ એકલો જ હોઉં છું. મને યાદ નથી કે છેલ્લે ઘરે મારી હાજરીમાં કોણ આવ્યું હતું!

બાકી મારે પ્રેમાળ પત્ની છે, સરસ મજાના બે સંતાનો છે. મા-બાપ છે. ભાઈ-બહેન છે. પણ એ બધા બંગાળમાં રહે છે. કેટલીક મજબૂરીના કારણે હું મારા ફેમિલીને અહીં નથી લાવી શક્યો. ટિપોય પર પડેલી તસવીર તરફ આંગળી ચિંધીને કહ્યું કે, મારી પત્ની અને બંને બાળકોનો ફોટો છે. એ માણસના મોઢામાંથી નીકળતાં દરેક શબ્દોમાં અજાણ્યો ભાર હતો. તેણે કહ્યું કે ચાર-પાંચ મહિને એ લોકોને મળવા જઉં છું. એ લોકોની સાથે હોઉં ત્યારે પણ સતત થયા રાખે કે હમણાં પાછો એકલો થઈ જઈશ. મને વિચાર આવ્યો કે, બગીચામાં કોઈ ન આવે તો ફૂલોને વેદના થતી હશે? કોઈ વ્યક્તિ વગરનું ઘર માણસને ‘કામચલાઉ જેલ’ જેવું લાગતું હશે? ઘરનો ખાલીપો માણસના દિલમાં અનુભવાતો હોય છે.


બારણાં પાસે આવ્યો ત્યારે મેં એ માણસ સામે જોઈને કહ્યું, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે કંઈક એવું થાય જેથી તમે તમારા પરિવાર સાથે રહી શકો. એ માણસની આંખો થોડીક ભીની થઈ હોય એવું લાગ્યું. સન્નાટો કેટલો અસહ્ય હોય છે તેનો અહેસાસ મને પહેલીવાર થયો. શિક્ષકે પછી વાત આગળ વધારી. એ દિવસે કામ પતાવીને હું ઘરે ગયો. ફળિયામાં રમતાં મારા બંને બાળકો મને જોઈને મારી પાસે આવીને મને વળગીને વાતો કરવા લાગ્યા. મારી પત્ની મારા માટે પાણીનો ગ્લાસ ભરીને લાવી.


પાણીનો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યારે મને થયું કે, હું ખરેખર ખૂબ લકી છું. મારાં લોકો મારી સાથે અને મારી પાસે છે. મેં ભગવાનનો આભાર માન્યો અને પેલા અજાણ્યા માણસ માટે ભગવાનને પ્રાર્થના કરી. એ દિવસથી મારા ઘરમાં મને એક ગજબના સુખનો અનુભવ થાય છે. પેલાં માણસ પાસે આમ જોઈએ તો બધું જ હતું, છતાં એની પાસે કંઈ જ ન હતું.

 કોઈન હોય ત્યારે સંબંધોની ઝંખના તીવ્ર બની જતી હોય છે. બધાં હોય ત્યારે માણસને એની કદર હોતી નથી. ઘરના લોકોથી જેને નફરત હોય એવા લોકોએ પોતાના ઘરથી દૂર અને એકલા રહેતાં લોકો સાથે થોડાક કલાક રહેવું જોઈએ. એક યુવાનની પ્રેમિકા પડોશમાં જ રહેતી હતી. બંને એક સાથે જ મોટા થયાં. રોજ તોફાન, મસ્તી અને ઝઘડા. યુવાને કહ્યું કે હું રોજ એની મસ્તી કરીને એને હેરાન કરતો. એ રડવા માંડે ત્યાં સુધી તેને પરેશાન કરતો.

મને બીજા શહેરમાં નોકરી મળી. એક મહિના પછી હું મારા ઘરે પાછો ગયો. મારી પ્રેમિકા મને મળી ત્યારે પહેલાં તો એ કંઈ જ બોલ્યા વગર મારી સામે હસી. મને યાદ આવ્યું કે હું આને રોજ કેવી રડાવતો હતો? મારી પ્રેમિકાની નજીક જઈ તેના બંને હાથ મારા હાથમાં લીધા. ખબર નહીં મને શું થયું પણ એના બંને હાથ વચ્ચે મોઢું રાખીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. મારી પ્રેમિકાને કહ્યું, મેં તને ખૂબ રડાવી છે ને? કદાચ ઈશ્વર તેની જ મને સજા કરે છે! પ્રેમિકાએ કહ્યું કે, તારા વગરેય હું રોજ રડી છું! વિરહમાં જ પ્રેમનો સાચો અર્થ સમજાતો હોય છે.


તમારા ઘરે કોઈ તમારી રાહ જોતું હોય તો માનજો કે તમે લકી છો, મિત્રોને તમારા વગર પાર્ટી અધૂરી લાગતી હોય તો માનજો કે તમે લકી છો, કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો માનજો કે તમે લકી છો, રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમે લકી છો. ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે લકી છો, કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે લકી છો. જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો લકી છું!