ફૂલ કહે ભમરાને,
ભમરો વાત કહે ગુંજનમાં,
માધવ ક્યાં નથી મધુવનમાં.
કાલિંદીના જળ પર ઝૂકી,
પૂછે કદંબ ડાળી.
યાદ તને બેસીને વેણું અહીં,
વા’તા તા વનમાળી.
લહેર વમળને કહે,
વમળે વાત સ્મરે સ્પંદનમાં,
માધવ ક્યાં નથી મધુવનમાં.
શિર પર ગોરસ મટુકી ભારી,
વાટ ના તિરે ખૂટી.
અબલખ કંકર એક ન લાગ્યો,
ગયા ભાગ્ય મુજ ફૂટી.
કાળજ કહે આંખોને,
આંખો વાત બહે અશ્રુવનમાં,
માધવ ક્યાં નથી મધુવનમાં.
------હરીન્દ્ર દવે