Monday, September 26, 2011

બૂફેનો મારગ છે શૂરાનો – ધીરજ બ્રહ્મભટ્ટ


[હળવો રમૂજીલેખ : 'ગુજરાતી સાહિત્યની ગઈકાલ અને આજ' પુસ્તકમાંથી સાભાર.]
બાળકોને ભણાવવા નહીં પરંતુ ભણતાં કરવાં એ શિક્ષણની રાષ્ટ્રીય નીતિ છે. એ જ પ્રમાણે મહેમાનોને ખવડાવવું નહીં કિંતુ ખાતા કરવા એ જ ઉદ્દેશ્ય બૂફે પદ્ધતિનો છે. મકરસક્રાંતિના શુભ પ્રસંગે ગાયોના ટોળા વચ્ચે પૂળા કે ઘાસ નાખી આપણે એક બાજુ ઊભા રહી જઈએ છીએ, એ જ રીતે સમારંભોમાં ટેબલ પર ખુલ્લો ખોરાક રાખી આગંતુકોને તેની પર આડેધડ છોડી દેવાની ક્રિયા એ આધુનિક બૂફે પ્રણાલિકા છે. અહીં પણ મોટા શીંગડાં વાળી ગાયોની માફક બળિયો જ મેદાન મારી જાય છે, બાકીના રાંક વદને ખોરાક પર હુમલો કરતા શૂરવીરોને નીરખ્યા કરે છે. કેટલીક વખત તો ભોજન કરવા કરતાં ભોજન માટે ઝુઝતા ભૂખ્યા જનોને જોવામાં વધુ આનંદ મળે છે.
બૂફે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિનું સંશોધન છે. યજમાન બૂફેના અર્વાચીન નામની આડાશ લઈ બધી કડાકૂટમાંથી બચી જાય છે. પંગતમાંથી ‘અહીં દાળ બાકી છે કે ભીંડો ભૂલાઈ ગયો છે.’ એવી ફરિયાદ સાંભળવી પડતી નથી. તાણ કરવાની મોંકાણમાંથી તો સદંતર બચી જવાય છે. બગાડ તો થાય છે જ પણ એથી વિશેષ બચાવ થાય છે. લશ્કરી જવાનની માફક આપણે હાથમાં ડિશ પકડી ઊભાં ઊભાં આહાર આરોગવા ટેવાયેલા નથી. પરિણામે ઉભડક જીવે જ લસ લસ કરી હાથમાં આવ્યું એ જમી લેવું પડે છે, અથવા તો પેટીસ સુધી પહોંચવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં ત્યાંની પડાપડી જોઈ માંકડા જેવું ચંચળ મન પણ આળસી જાય છે.
બૂફેનો પ્રથમ અનુભવ મેં જયપુરમાં લીધેલો. ઓલ ઈન્ડિયા ટીચર્સ ફેડરેશનનું અધિવેશન હતું. ત્યાંના ગવર્નરને શિક્ષકો પ્રત્યે એટલું માન કે અમને સામૂહિક ભોજન માટે નિમંત્ર્યાં. કદાચ એમના શિક્ષકે બાળ-ગવર્નરને અંગૂઠા નહીં પકડાવ્યા હોય ! અથવા તો ઊઠબેસ જેવી આકરી સજાનો સ્વાદ ચાખ્યો નહીં હોય ! ટ્યૂશન માટે દબાણ કરવાને બદલે નિયમિત તાસ લીધા હશે. કારણ ગમે તે હોય પણ ઉમળકો એવો આવ્યો કે મારે આંગણે ભારતભરના શિક્ષકો !…. અને ભોજન સમારંભ ગોઠવી દીધો. દેશના બે હજાર ઘડવૈયા માટે વિશાળ મેદાનમાં ટેબલો પર વિવિધ વાનગીઓ ગોઠવી હતી. જમવાનો આદેશ મળતાં જ અમારો નેવું ટકા જેટલો સમૂહ રીસેસનો બેલ પડ્યો હોય એમ ટેબલ તરફ ધસ્યો. પહેલાં ક્રોકરી માટે પડાપડી થઈ. ક્રોકરીનો કોઠો ભેદી શક્યા એમણે ટેબલ પર ધસારો કર્યો. ટેબલ પાસે ઊભેલા સ્વયંસેવકો ફરજ વીસરી અમારી લીલા જોવામાં તલ્લીન થઈ ગયા.
‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ એ ન્યાયે હું પરસેવે રેબઝેબ થઈ ગયો. ફળસ્વરૂપ પાંચ પૂરી, બે-ત્રણ ફોડવાં બટેટાં ને દહીંવડામાંથી વડાં ઊપડી ગયા પછી વધેલું દહીં મેળવવા જેટલી સિદ્ધિ મને મળી ખરી ! પણ આ શું ? બાકીનાને પ્લેટમાં પ્રાપ્ત કરેલી વાનગીઓ અલગ અલગ વ્યવસ્થિત રહેતી હતી જ્યારે મારે બધું સેન્ટરમાં ભેગું થઈ જતું’તું. એક મિત્રને મુશ્કેલી જણાવી તો એ પહેલાં તો ખૂબ જ હસ્યા; પછી કહે, તમે બૂફે પ્લેટ નહીં પરંતુ ડોગો ઉઠાવી લાવ્યા છો. હાથમાંનો કૂંડા જેવો ડોગો જોઈ હું શરમાયો પણ ફરીથી એ ધસારામાં ધસવાની મારી હિંમત જ નહોતી. ‘કરતાં જાળ કરોળિયો’વાળી કવિતા સંભળાવી મિત્રએ મને પ્રોત્સાહિત કરવા કોશિશ કરી પણ હું એવો હતાશ થઈ ગયો હતો કે ભૂખ્યો રહ્યો પણ ટોળામાં ન ઘૂસ્યો. એક વાર એન.સી.સી. તાલીમમાં જવાનું થયું તો ત્યાં પણ બૂફે ભટકાયું. વિવિધ રાજ્યોમાંથી આવેલ તાલીમાર્થીઓ પ્રાંતીય ભાષામાં રોષ કાઢતા હતા, ખોરાક મેળવવા હવાતિયાં મારતા હતા ને કેટલાક હિંમતપૂર્વક પંદર-વીસ પૂરી ઉઠાવી લાવી અડધી પોતાના ગ્રૂપને ગૌરવપૂર્વક વહેંચતા હતા. થોડી વાર બસમાં ચઢતા મથતા પેસેન્જરો જેવા મરણિયાઓને મેં જોયા જ કર્યા. ભીડ ઘટી ત્યારે કેટલાંક વાસણોમાં વઘારેલા ભાત સલામત રહ્યા હતા. એક ચમચી ચાખતાં જ એ દાઢે લાગ્યા ને પૂરી પ્લેટ ભરી હું ભાત આરોગવા લાગ્યો. હજી બે ચમચી માંડ ખાધી હશે ત્યાં એક બ્રાહ્મણ મિત્ર વીજળી પડી હોય એમ ચમકીને બરાડ્યા, ‘તમે આ શું ખાવ છો ?’ આપણે તો ભોળાંભાવે રામૈયા એટલે કહ્યું : ‘વઘારેલા ભાત ખાઉં છું.’ હાથમાંથી પ્લેટ ઝૂંટવતાં એમણે છાંછિયું કર્યું, ‘આ ભાત નહીં, બિરીયાની છે. બોટી બોટી બધા વીણી ગયા છે ને તમે વધેલા ચોખા ખાવ છો.’ મેં વાનગીઓને બદલે બસ ઊબકા જ ખાધા.
બૂફેનું સામ્રાજ્ય આધુનિક યુગમાં દરેક સમારંભો પર છવાઈ ગયું છે. લગ્ન પ્રસંગે પણ બૂફેની જ બોલબાલા હોય છે. એક પ્રસંગે તો ચોપાસથી મંડપ બંધ કરી અંદર ટેબલ ગોઠવ્યાં હતાં. અંદર જવાનો દરવાજો પણ વાડામાં છીડું પડ્યું હોય એવો ! ધાર્મિક સ્થળોના દરવાજે જામે છે એવી જ ભીડ અહીં અન્નદેવનાં દર્શન કરવા જતી હતી. શ્રીમતીજી અને અમારા ચાર સહિત હું અંદર પ્રવેશવામાં સફળ થયો. ખૂલી ગયેલા બુશર્ટના બટન બંધ કરી કયા ટેબલ પર ગિરદી ઓછી છે એની તલાશમાં જ હતો ત્યાં તો લાઈટ ગઈ. પરિશ્રમ અને ગરમીનો બેવડો પરસેવો અમને વળી ગયો. અર્ધાંગિની તો વેવાઈને અધઅધમણની તોળી તોળીને રમકાવવા લાગ્યાં. મૂવાએ હાથે કરીને જ સ્વીચ બંધ કરી લાગે છે, લોકો કંટાળીને ચાલ્યા જાય. બીજાં એક બહેન અનુમોદન આપતાં બળાપો કાઢવા લાગ્યાં, ‘આમાં ખાવાનું લેવા કોણ જાય ? છોકરાને કોણ સાચવે ? ને તરસ લાગી હોય તો પાણી કોણ લાવી આપે ? પાટલા પાથરી આગ્રહ કરવાનું તો ક્યાંય ગયું પણ ભિખારીની જેમ થાળીઓ લઈ ફરીએ છીએ તોય કોઈ ભાવ નથી પૂછતું.’ ભારે શરીરધારી એક ભાઈ બે દાંત વચ્ચેથી હવા કાઢી હળવી વ્હીસલ વગાડતાં બોલ્યા : ‘હવે તો જાન કરતાં કાણમાં પણ વધુ શાંતિ હોય છે.’
બૂફેનું સૌથી વરવું સ્વરૂપ એક યુવા અધિવેશનમાં જોવા મળેલું. દરેક સભ્યોને ખાસ સૂચના હતી કે બીજા પાંચ-પાંચ સભ્યો પકડી લાવવાના છે. યુવાનો અમને મતદાન મથકે લઈ જતા હોય એટલા ઉત્સાહથી અધિવેશનના સ્થળે ખેંચી ગયા. ‘ભાષણ સે રાશન નહીં મીલતા’ એ ઉક્તિ અહીં ખોટી ઠરતી હતી. અમને ભાષણ સાંભળવાના બદલામાં જ ભોજન મળવાનું હતું. જે શ્રોતાઓ નિહાળી શકે એમ સામેની રવેશમાં જ ગોઠવ્યું હતું. શ્રોતાઓના કાન સ્ટેજ તરફ અને ચહેરા બૂફે માટેનાં ટેબલ તરફ હતા. સૌની આંખોમાં શંકા હતી. વહેલો તે પહેલાના ધોરણે જ ભોજન મળશે એ નિશ્ચિત હતું. આભારવિધિ ચાલુ થઈ ત્યાં જ રમખાણ થયું હોય એમ બધા ડિશો ગોઠવેલ ટેબલ તરફ દોડ્યા. એક સ્વતંત્ર સેનાની અંગ્રેજોને આપતા હતા એવી ગાળો આયોજકોને આપવા લાગ્યા. આયોજકો આ બનવાનું જ છે એની માનસિક ભૂમિકા બાંધીને ઊભા હોય એમ મૂછમાં હસતા હતા. ફરીથી અહીં સુધી લાંબા ન થવું એ વિચારથી વાનગી ગોઠવેલ ટેબલ પર જ ડિશ ગોઠવી જમનારા વર્ગ કાનમાં પૂમડાં ખોસ્યાં હોય એમ અન્યના ક્રોધને કાનના પડદામાં જ સમાવી જમતો હતો. કઈ વાનગી ખૂટી ગઈ છે એ કળવું પણ મુશ્કેલ બન્યું.
આવા તંગ વાતાવરણમાં ‘મહીં પડે એ મહાસુખ માણે’ કરીને ટોળામાં ખાબક્યો. ગોધાની જેમ ગોથું મારીને હું ટેબલ સુધી પહોંચ્યો તો ખરો પણ હાય નસીબ ! ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે.’ એમ શાકનો રસો અને ભાત જ મારા સુધી પહોચ્યાં. પરસેવો લૂછતો ને મેદની ભેદતો હું બહાર આવ્યો તો એક કાર્યકરે અભિનંદન આપતાં હાથ લંબાવ્યો. અભિનંદન મને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રાપ્ત કરવા બદલ હતાં. કૉન્ગ્રેચ્યુલેશન આપી એ જ હસતે ચહેરે એક પત્રકારને એમણે કોન્સોલેશન કહ્યું, પત્રકારની ડિશ ખાલી હતી, જ્યારે શર્ટ દાળ અને શાકથી ખરડાઈ ગયું હતું. દાળવૃષ્ટિ કે શાક વર્ષા કોણ કરી ગયું એ કળવું મુશ્કેલ હોવાથી એ મભમ જ ગાળો દેતા હતા. એમની અવદશા જોઈ માત્ર ભૂખ્યા રહેનારાઓને આશ્વાસન મળતું હતું.
આપણે તો તારણ કાઢ્યું છે કે બૂફેનો મારગ શૂરાનો છે. કટાણો ચહેરો કરી એક બાજુ ઊભા રહેનારા કાયરોનું એ કામ નથી. જે લોકો મરજીવા બની ડૂબકી મારી શકે એ જ ભોજન મેળવી મોતી મેળવ્યા જેટલો આનંદ માણી શકે છે. ‘આપણા લોકો આળસુ છે…. પરિશ્રમથી ભાગે છે…. આજની પ્રજામાં સાહસવૃત્તિ મરી પરવારી છે…. મર્દાનગી શોધી યે જડતી નથી….’ આવા આક્ષેપ કરનારાઓને અમારું ખુલ્લું આહવાન છે કે કોઈ પણ ‘બૂફે’માં જાઓ, આંખ ખોલીને જુઓ…. તમારા મગજમાં ભરેલા આ તમામ અભિપ્રાયો – બૂફેના ટેબલ પર મૂકેલી વાનગીઓની જેમ ક્યાંય ઊડી જશે !

No comments: