Monday, September 26, 2011

બાધા એટલે ભગવાનને લાંચ-લાલચ આપીને પોતાનું ધાર્યું કરાવી લેવાની સ્કીમ.


[ ‘જનકલ્યાણ’ સામાયિક, વાર્ષિક અંક એપ્રિલ-2011માંથી સાભાર.]
બાધા એટલે ભગવાનને લાંચ-લાલચ આપીને પોતાનું ધાર્યું કરાવી લેવાની સ્કીમ. પ્રાચીનકાળમાં ખાસ કરીને ‘બા’ પોતાનું બાળક સાજુંનરવું રહે એ માટે ઈશ્વર પાસે ‘ધા’ નાંખતી એટલે એ સ્કીમનું નામ ‘બાધા’ પડ્યું. બાધા એટલે સર્વોચ્ચ સરકાર (ઈશ્વર) સામે એક જાતની હડતાલ. કોઈ તંદુરસ્તીની માગણી માટે દર ગુરુવારના ઉપવાસ (અઠવાડિક ભૂખહડતાલ) પર ઊતરી જાય. કેટલાંક ભગવાનને રાહત આપવાના દરે ભૂખ હડતાલ કરે જેવી કે, મને જ્યાં સુધી પ્રમોશન નહીં મળે ત્યાં સુધી હું રામફળ નહીં ખાઉં. (રામફળ મ્યુઝિયમમાંય જોવા નથી મળતું !) તો કોઈ વળી એવી બાધા રાખે કે મારો દીકરો દસમામાં પાસ નહીં થાય ત્યાં સુધી ખિસકોલી તરફ એકીટસે જોયા કરીશ ! કેટલાક એવી બાધા રાખે કે મને મસા નહીં મટે ત્યાં સુધી મોળું ખાઈશ અથવા તો મોઢાનાં ચાંદાં નહીં મટે ત્યાં સુધી મરચું જીભેય નહીં અડાડું ! અલ્યા, તું એટલું કરીશ એમાં જ તારા મસા અથવા ચાંદાં મટી જશે. મૂળચંદ બાધાય દવા જેવી લે ! અને પછી કહે કે ભગવાને મટાડ્યું !
ભગવાન તાકો મંજૂર કરે ત્યારે મૂળચંદ કમિશન તરીકે કટપીસ ચડાવે. એય આરતી સમયે એકઠા થયેલા ઈકોતેર ભગતોની હાજરીમાં ! હરિભક્તોને ભગવાનના ટેસ્ટ અંગે શંકા થાય કે ઈશ્વર હવે આવા બુડથલોની ફાઈલમાંય સહી કરતા થઈ ગયા ! એકચ્યુઅલી પાકેલી કેરી (મૂળચંદનું કર્મ) ઝાડ પરથી પડવાની તૈયારીમાં જ હોય ત્યારે જ મૂળચંદે બાધા લીધી હોય અને બાધા ફળે એટલે એને પોતાની ઈશ્વર સાથેની ઓળખાણ (કૃપા)માં ઠેરવે. બાકી આપણે એકાદ વસ્તુનો ત્યાગ કરીએ એમાં ઈશ્વર શું કામ ડીપ્રેસ થાય ? આપણી ઘીની બાધાથી ઘરવાળા ખુશ થઈને એ જ દિવસથી કોરી રોટલી જુદી કાઢવાની ચાલુ કરી દે છે. આપણા ભાગનું ઘી એ લોકો ખાઈને તાજામાજા થાય છે અને ઈશ્વર શું તને સૂકી રોટલી ખાતો જોઈને દુઃખી થઈને આપઘાત કરવા દોડશે ? જોકે એક વાર એવું બનેલું કે એક બહેને બાળકને તગડું કરવા ઘીની બાધા લીધી. એમાં તો ખુદ એ બહેનનું શરીર કથળ્યું. બાધામાં બેય બગડ્યાં !
આમ પ્રાચીનકાળમાં બાધા લેનારે જ પીડા ભોગવવી પડતી. સ્વપીડન ક્યાં સુધી ? એવો ઉશ્કેરાટ થતાં કેમ્બ્રિજ યુનિ.ના સ્નાતક શ્રીમતી કરુણાગૌરીએ બાધાને અદ્યતન સ્વરૂપ આપ્યું. એમણે એવી બાધા રાખી કે એમની દીકરી દકુ બાર સાયન્સમાં પાસ થશે તો દકુ પોતે માત્ર શ્વાસ પર સાત શુક્રવાર કરશે. એ તો દકુએ રંગ રાખ્યો કે એ ફેઈલ થઈ. જો પાસ થઈ હોત તો ‘બાધા’માં તો ચોક્કસ ફેઈલ થાત. આ તો ઠીક છે કે બાધામાં શ્વાસ તો લેવાનો હતો, બાકી ‘નિર્જળા’ની જેમ કોઈ મૂળચંદ અમરભાઈ માટે આમ બારોબાર ‘નિશ્વાસ’ની બાધા રાખી દે તો અમરભાઈનેય મરવાનો દા’ડો આવી જાય ને ? મારી બચપન, કિશોર અને યુવાવસ્થાની કુળ મળીને, એકતાલીસની ઉંમરમાં મને બે જ વસ્તુ આકર્ષી શકે છે. એક, રામાયણનું ‘કોપભવન’ અને બીજી કરુણાબહેનની ‘બારોબાર ધા’ નાખવાની બાધા ! આવી બાધા લેવાનું સુગમ પણ પડે છે. બાધાની આ અર્વાચીન આવૃત્તિના આવિષ્કાર પછી તો હું અખંડ રામધૂનની જેમ બાધા ઉપર બાધા રાખ્યા કરું છું…..રાખ્યા જ કરું છું…. જેમ કે લંકેશભાઈના છૂટાછેડાનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી એ કંકોતરીવાળાં લગ્નોમાં જઈ ચાંલ્લો કરશે, પણ જમશે નહીં ! પડોશીના પપલુને પાંચમા ધોરણમાં પચાસ ટકાથી વધુ માર્ક્સ આવશે તો પપલુ એના પરિવાર સાથે પગપાળા પાવાગઢ જશે ! શૅરબજારિયો શિરીષ સોમવારની શૅર કૉલમ નહીં વાંચે ! આમ આ બધી બાધામાં આપણને પીડા નહીં. બાકી પહેલા તો આપણે જ ભોગવવું પડતું, એટલે હું તો બહુ સાનુકૂળ બાધાઓ જ રાખતી, જેમ કે સળંગ સત્તર દિવસ સુધી સ્નાન કર્યા બાદ મારા જ ટુવાલથી ડિલ લૂછીશ. મારા માટે આ બાધામાં કોઈ ટ્રબલ નહોતી. બાકી કેટલાકને બીજાનો ટુવાલ વધુ સ્વચ્છ અને સુગંધીદાર લાગતો હોય છે ! અને એવું હોય છે પણ ખરું. એમને મારાવાળી બાધા આકરી પડે !
બાધામાંય લોકો જાતજાતના નુસખા કરતા હોય છે. ડુંગળીની બાધા રાખે પણ એમાં પીત્ઝા, પાંઉભાજી કે ભેળમાં ડુંગળી ખવાય ! માત્ર ડુંગળીનો ગાંગડો ભચડ ભચડ નહીં ચાવવાનો ! એક કાકાએ ભત્રીજાની સગાઈ થાય એ માટે દૂધની બાધા રાખી, પણ ભત્રીજો તો એકતાલીસ વરસ સુધી અણનમ રહ્યો ! એટલે કંટાળીને કાકાએ ભત્રીજાને ‘શઠ’ જાહેર કર્યો અને બાધા ફોડી નાખી ! (ફોક કરી નાખી) આવું ચાલતું હશે ? બાધામાં તો શ્રદ્ધા અને સબૂરી (ધીરજ) જોઈએ. બાધાનું તો આત્માના અવતાર જેવું ! ખોળિયામાંથી નીકળી ચૂકેલો આત્મા બીજા ખોળિયામાં તુરત જ અવતાર લે, બે દિવસે કે બાવીસ દિવસેય લે અને નાય લે… તો મોક્ષ સમજવો. એમ કોઈ બાધા ‘પ્રાણ જાય પણ પૂરી ન થાય’ એવુંય બને. કેટલાંક તો બાધા માટે ભગવાન બદલે ! શિરડીના શ્રી સાંઈબાબાના પાંચ ગુરુવારથી પરિણામ ન મળે તો સંતોષીમાતાના સાત શુક્રવારની માનતા રાખે. એમાં મેળ ન પડે તો શાંતિનાથ મહાદેવના સોળ સોમવાર જાહેર કરી દે અને પાછા ભગવાન નાનું ભૂલકું હોય એમ ફોસલાવે. શૅરમાં ધીકતો નફો થશે તો બે ટકા તારા ! અલા, જેણે સૃષ્ટિ રચી છે એ તારા બે ટકાની શું આંસુના તોરણે રાહ જોઈ રહ્યો હશે ?
બાધા રાખનારા લોકો બાળક જેવા બુદ્ધુ અને જિદ્દી હોય છે. ચૉકલેટ નહીં આપે તો સ્કૂલે નહીં જાઉં. અલા, ભણીશ નહીં તો તારે જ ભીખ માગવાનો વારો આવશે. યાદ રાખો કે માત્ર નિર્જળા કે નિઃશ્વાસ ઉપવાસની બાધાથી જ ઈશ્વર ગભરાય છે કે આ માંગણ ઊકલીને ઉપર આવી જશે તો વધારે ઉપાધિ કરશે એટલે જ એની ઈચ્છા જલદી પૂરી કરે છે. બાકી તું ઉનાળામાં ચંપલ ન પહેરે અને ઉપરથી પ્યોર પોલીએસ્ટર પહેરવાની બાધા રાખે તોય ઈશ્વરને કેટલા ટકા ? તારો ટિનિયો ત્રણ વાર ચૉક્લેટ માગે ત્યાં સુધી તું માંડ સહન કરે. ચોથી વાર ચૉકલેટ માંગે તો થપ્પડ ઝીંકી દે છે અને ભગવાનની પાસે આખી જિંદગી માંગ માંગ જ કરવાનું ? એક આધુનિક સતીએ એનો વર સુધર્યો નહીં તો તેણે વટસાવિત્રી વ્રત કરવાનું અધવચ્ચેથી જ અટકાવી દીધું ! અલી, ઈશ્વર કાંઈ અખબાર છે કે ડોલ, ટબ, સાબુ, શેમ્પુ, ઈન્સ્ટન્ટ મિક્સ ન આપે તો અખબાર બંધ કરી દેવાનું !
એક ઈન્ટેલિજન્ટ સ્ત્રી આખા ઈન્ડિયાનો પ્રવાસ થઈ જાય માટે અંબાજી, વીરપુર, બદ્રી-કેદારનાથ, તિરુપતિ, વૈષ્ણોદેવી જેવી જગ્યાઓએ જવાની બાધા રાખે. બાધાનું નામ પડે એટલે બાઘડો (પતિ) બીવે. આમ બાધાને નામે બત્રીસ ગામની જાત્રા કરી આવે. હવે, બોલો….. બોલો….. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ ? કેટલાંક વળી ધાબા જેવડી બાધા રાખતા હોય છે – વિશ્વપ્રવાસનો જોગ નહીં થાય ત્યાં સુધી ઉંબરાની બહાર પગ નહીં મૂકું ! મૂળચંદ, વિશ્વશાંતિ માટે તારે આવી જ બાધા લેવાની જરૂર હતી ! ત્રણ દીકરાવાળાની દુર્દશા, અવદશા, માઠી દશા જોયા પછીયે કેટલાક અકોણા લોકો દીકરા માટે બાધા રાખે અને પછી બાધાનો દીધેલો દીકરો આવે એટલે એનું નામ ‘ભીખલો’ પાડે. અને એ ‘ભીખલો’ ટપોરી મોટો થઈને મા-બાપને હાલરડું સંભળાવે : ‘તમે લોહીના પીધેલ છો, તમે સાવ માથા ફરેલ છો, આવ્યા છો તો ખૂણામાં પડ્યા રહો !….’ એટલેસ્તો કહેવાયું છે, ‘સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની !’
એક ભાઈએ એના બોસને સ્મૃતિભ્રંશ થાય એ માટે ગોટલાની બાધા રાખેલી. અને આખો ઉનાળો બિચારાએ કેરીના ગોટલા પોતે ન ખાઈને ગાયને જ ખવડાવી દીધા. સાસુની જીભને લકવો થાય તો આજીવન કડવો લીમડો જીભે નહીં અડાડું એવી બાધા, રાધા વહુએ રાખેલી. કોઈનું ખરાબ કરવાની બાધા રાખો તો ઈશ્વર રૂઠે અને બાધા અવળી પડે. બોસની સ્મૃતિ અને સાસુની જીભ પાવરફુલ બનાવી દે ! બાધા રાખવી હોય તો એવી રખાય કે જ્યાં સુધી વળતર કરતાં સવાયું કામ નહીં આપી શકું ત્યાં સુધી પગાર લઈશ નહીં ! કોઈકની નિંદા થઈ જશે તો તે એ દિવસે ઉપવાસ કરીશ. ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર નહીં થાય ત્યાં સુધી સાચા સાધુ જેવું સાદું જીવન જીવીશ કે ગુજરાતની ગરીબી દૂર નહીં થાય ત્યાં સુધી ગરબા હરીફાઈમાં ભાગ નહીં લઉં !
મને તો બાધાનું વ્યસન થઈ ગયું છે. એક પૂરી ને બીજી શરૂ થાય. બીડી છૂટે પણ બાધા ન છૂટે ! મેં તો મારી બાધા રાખવાની હોય કે બીજા માટે, ગમે તે કામ માટે હોય પણ બાધા ખોરા ટોપરાની જ રાખવાની. છેલ્લાં સત્તાવીસ વર્ષથી હું ખોરું ટોપરું ખાઈ શકી નથી ! બાધા કોને કહે ! જોકે બાધા રાખવાનો ફાયદો એ છે કે બાધા રાખ્યા પછી એ પૂરી થવાની રાહમાં સમય સરસ રીતે પસાર થાય. ‘જો મજા ઈંતેજાર મેં હો વો પાને મેં કહાં ?’
‘જીવતરનો આ રસ્તો ભગવાન
નહીં તો ખૂટશે કેમ ?
અમે રાખીશું બાધા,
તમે કરજો કરવું હોય એમ !’

No comments: