Saturday, June 30, 2012

મારું જામનગર

બુધવારની બપોરે - અશોક દવે
સિક્સર
પેટ્રોલનો ભાવ વધારો એમ કાંઇ ટળશે? યુવા કવિ અનિલ ચાવડાનો કેવો મસ્ત શે’ર છે...
‘‘જીંદગીના કાયમી અંધારાની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે, તર્ત બદલાવી દઇશ?’’
જામનગરનો વિઝા મળે, તો એનું ‘ગ્રીન’ કાર્ડ ‘બ્લૅક’માં લઇ લેવાય શક્તિ હોય ને ખરીદી શકો એમ હો તો, એકલું જામનગર ખરીદો, એમાં આ તમારા મુંબઇ અને કોલકાતા તો ફ્રીમાં મળે. દિલ્હી કે ગાંધીનગર તો કોઇ લે ય નહિ. રાજા-મહારાજાઓનું શહેર છે આ. સદીઓ પહેલા રહેતા એ નહિ, આજના રાજા-મહારાજાઓ. બડા ઠાઠથી રહેનારી મારા જામનગરની પ્રજા છે. રસ્તે નીકળ્યા પછી સગ્ગી વાઇફને બે ડગલાં પાછળ ચલાવનારી અને સાયકલને ય ‘ગાડી’ કહેનારી આ પ્રજા રાજાઓના એશો-આરામથી રહેવા ટેવાયેલી છે. મેહમાનોની સરભરા એક કૃષ્ણ-સુદામાના વખતમાં બસ... થઇ ગઇ, એ થઇ ગઇ, એમ ન કહેવાય.. મેહમાનગતિના મામલે મારૂં જામનગર તો આજે ય કૃષ્ણ-સ્વરૂપ છે. તમે એમની ઉપર કોઇ ઉપકાર ન કર્યો હોય છતાં તમને આખું જામનગર ગિફ્‌ટમાં આપી દે, એટલું દાનેશ્વરી છે. જામનગરીઓ ઉપકારની રીસિપ્ટો નથી માંગતા. પણ કોને શું આપવું, એની ય એમને ખબર છે. દાખલો જૂઓ.. મને પરણવા માટે બબ્બે વખત કન્યાઓ આ શહેરે આપી હતી. નૉટ ઑન્લી ધેટ... આગળપાછળનું કાંઇ વિચાર્યા વગર, મને આ શહેરે જનમ, એક વખત આપ્યો છે. (... હવે છ બાકી રહ્યા...!) જામનગરે મને પેલા કન્યાવાળા ચાન્સ બે કેમ આપ્યા, ખબર પડી ?.. દેશનું ધન દેશની બહાર જતું રહેવું ન જોઇએ!
જામનગરમાં કોઇને ઘેર મેહમાન થયેલો માણસ ભૂખ્યો પાછો ન જાય. બાકીના ગુજરાતમાં બરણીવાળો ગયા શુક્રવારવાળો નાસ્તો ખવડાવીને મેહમાનોને પતાવી દે. જામનગરવાળા જમાડીને મોકલે. ન જમો તો કદાચ મારે ય ખરા. કટાણે ગયા હો તો ગરમાગરમ પાટા (આપણી ભાષામાં પેલા લાંબા ‘ફાફડા’) હોય. અડઘું જામનગર રોજ સવારે ભૂલ્યા વગર ગરમ ગાંઠીયા અને પાટા ખાઇ ખાઇને મોટું થયું છે. જામનગરમાં કોઇ માંદુ પડે, તો બ્લડને બદલે ગાંઠીયાના બાટલા ચડાવવાનો દસ્તુર છે. લારીને આ લોકો રેંકડી કહે છે. પાણી-પુરીની શોખિન પ્રજા પહેલા પૂછી લે છે, ‘‘દસ રૂપિયે મેં કિતની દોગે?’’ પેલો કહે ‘‘આઠ’’. એ પછી અમારો જામનગરી ધરાઇ ધરાઇને ૬૦-૭૦ પકોડીઓ ધરબી ગયો હોય ને પછી ભૈયાને અટકાવીને કહે,‘‘ભૈયાજી, દસ રૂપિયે કી હો જાયે, તો બોલ દેના...!’’ આમાં તો પકોડીવાળાની બા પેલાના ઘર સુધી દોડતી એને ફટકારવા આવે કે નહિ? (જવાબઃ અમારા અમદાવાદની બા હોય તો એના ફાધરને ય ફટકારતી આવે! જવાબ પૂરો)
હમણાં હમણાંથી જો કે, રીલાયન્સ અને એસ્સાર આવ્યા પછી અહીંના લોકોના ખિસ્સામાં ય જોર વઘ્યું છે અને દોઢસો રૂપિયાની પંજાબી સબ્જી આપતી મોટી હોટલોમાં જતી થઇ છે... એ વાત જુદી છે કે, વૈભવ નવો નવો અને આદતો જૂની જૂની હોવાથી હજી મોટી હૉટેલમાં ગયા પછી, ‘‘ઓ ભા’આ..ય.. જરી બે ગાંઠીયા વધારે તો નાંખો.. ’’ બોલાઇ જાય છે.
એક જમાનામાં જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું. આજે રીલાયન્સ કે ેએસ્સારને કારણે સુંદરતામાં જરી આધુંપાછું થયું હશે, પણ જામનગર ફ્‌ક્ત એની સુંદરતા ઉપર જ મુસ્તાક નથી. અહીંના લોકોનું કલ્ચર. લાઇફ-સ્ટાઇલ કે મોજીલો સ્વભાવ... ઉપરાંત ખૂબ જ વહાલા લાગે તેવા જૂનાં રસ્તાઓ, શેરી અને ફળીઓ, પાનવાળાઓ, અમારો લાખોટો, અમારૂં ગ્રેઇન માર્કેટ ને અમારા બેડીનું નાકું.. ભાઇભાઇભાઇ...! કાશ્મિરમાં આવ્યા પછી શહેનશાહ જહાંગિર શ્રીનગરની સુંદરતા જોઇને એવો ખુશ થઇ ગયો હતો કે, એ પર્શિયનમાં બોલી ઉઠયો, ‘‘ઙ્મઝ ેંદ્ધરઝ્‌સિં ર્શ્ચંય [રઊંફઝ હ્ય્શઽ,ર્ ંેંઊંઝ હ્ય્શઽ્‌ય,ર્ ંેંઊંઝ હ્ય્શઽ્‌ય..ર્ ંેંઊંઝ હ્ય્શઽ્‌ય’’એટલે કે, ‘‘જો ધરતી પર કોઇ સ્વર્ગ છે, તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.’’ મને મળતી માહિતી પરથી કહી શકું કે, એક વાર હું મારા જામનગર માટે આવું બોલ્યો હતો, એની બાતમી જહાંગીર પાસે લિક થઇ ગઇ અને એ ચોટ્ટાએ આ મહાન પંક્તિઓ જામનગરને બદલે કાશ્મિર માટે પોતાના નામે ફરતી કરી દીધી... ! સાલો.... આ જમાનામાં રાજા-બાદશાહો ઉપરે યે વિશ્વાસ મૂકાય એવો નથી.. ! આ તો એક વાત થાય છે.
અહીંની મેડિકલ કૉલેજમાં ભણીને ડૉકટર થયેલા કોઇ સેંકડો નથી, હજારો છે. દુનિયાભરમાં એ લોકોએ જામનગરનું જ નહિ, ભારતનું પણ નામ રોશન કર્યું છે. જામનગરનું એક દિવસનું અનાજ ખાઇ જનાર કદી ૠણ ચુકવવાનું ન ભૂલે, એવી અહીંની ભૂમિ છે. અહીં ભણી ગયેલા ડૉકટરો ક્યારેક પેશન્ટસની બાકી ફી ભૂલી જાય છે, પણ જામનગરને કોઇ ભૂલ્યું નથી. (અશોક દવે.. ખોટટી મજાકો નહિ કરવાની!)
જો કે, જામનગરમાં જીંદગી કાઢી નાંખનારા આ વાંચીને થોડા ગિન્નાય ખરા, અહીંની ગંદકી જોઇને, ટ્રાફિકના કબાડા જોઇને કે ૯૮ ટકા લાલમલાલ મોંઢાવાળા પાનખાઉઓ જોઇને કે, ઘરની બહાર નીકળ્યા પછી સામાન્ય પ્રજાની ડીસન્સી જોઇને! જામનગર જામસાહેબે નહિ, પણ આ લોકોના ફાધરે બનાવ્યું હોય એમ રસ્તે પાનની પિચકારીઓ દીધે રાખે છે કોઇને આઘાત ન લાગે, એટલા ટેવાઇ ગયા છે, ‘‘આંઇના લોકો’’!
પણ એ તો જેવી જેની નજર. આખા કાઠીયાવાડમાં પારકી સ્ત્રીને ‘મારા બહેન’ કહીને બોલાવાય છે. વાઇફ સાથે તમે ઊભા હો, ત્યાં એ પહેલું પૂછી લેશે, ‘‘આ મારા બેન છે...?’’ આમાં ભરાઇ ચોક્કસ જવાય કે, આપણી સાથેવાળી એની બહેન બેશક થતી હોય, પણ આપણી પત્ની જ છે, એવું ગધેડો કેવી રીતે માની લઇ શકે? આપણે તો કાયદેસરની પત્ની સાથે હોય છતાં ઘણી વાર સમાજના ડરથી બોલી શકાતું નથી કે, ‘‘હા.. આ મારી વાઇફ છે’’.. બફાઇ જાય વળી ક્યારે, હાળું! વળી, આપણી વાઇફને એની બહેન બનાવવાની આપણી તૈયારી હોય તો શહેરમાં તમારા ૫૦ હજાર સાળાઓ ફરતા હોય... પસ્તાવો થાય કે, આટલા બધાની બો’ન આપણે પૈણી નાંખી! (આ પાછી ઉત્તર ગુજરાતની ભાષા...!)
પણ જામનગરના લોકો બઘુ ચલાવી લિયે. જાણવા છતાં કે આપણી સાથે છે, એ એની બહેન નથી, તો ય એક વાર તો બહેન બનાવી જ દે. કેવા મોટા મન...? થોડા વખત પછી, પૉસિબલ છે કે, આપણાવાળી સાથે એ જ ભાઇ રસ્તામાં મળે તો, આપણે વિવેક કરવો પડે, ‘‘આ મારા બેન...?’’ આંઇના લોકોમાં આવા કોઇ ભેદભાવું નો હોય!
મસ્તીની વાત એ છે કે, દુનિયા ચાંદ પર પહોંચી ને હજી જામનગરના શરબતો એ જ સદીઓ પુરાણા... કાલા ખટ્ટા, વિમટો, ગુલાબ, ખસ. નાસ્તામાં હજી રગડો - પેટીસ એટલે તો મોટી પાર્ટી દીધી કહેવાય. હજી આજે પણ ત્યાં સોડાનું માહાત્મ્ય ઘણું. ફરક એટલો કે, એક પણ અપવાદ વગર આખું જામનગર ‘સોડા’નો ઉચ્ચાર ‘શોડા’ કરે છે. ઠેરીવાળી શોડા. (ઠેરી એટલે કાચની લખોટી) અસલ શહેર જામનગરમાં મિડલ- ક્લાસ હજી જામબાપૂના વખતનો હાઇલો આવે છે. દસ્તૂર એવો કે, મે’માનું આવે, એટલે ચા ન મૂકવી પડે અને ઠેરીવાળી શોડા મંગાવી લેવાની. મેહમાન જરા વજનવાળો હોય તો જ ‘લંિબુવારી મશાલાવાળી શોડા’ મંગાવાય... પણ મેહમાનો દીકરી જોવા આવ્યા હોય તો વિમટો કે લૅમન આવી જાય.. એ વખતે તો ઘરના કાચના ગ્લાસ ધોવાય પણ ખરા..! બીજા મેહમાનો દીકરી જોવા આવે ત્યાં સુધી!
‘ખંડહર બતા રહા હૈ, ઇમારત બુલંદ થી’ની જેમ હજી જામનગરના જૂના મકાનો સૌરાષ્ટ્રના પેરિસની સાહેદી પૂરે છે. બાકીના ગુજરાતે તો આજે ય મકાનમાં ફળીયું જોયું નથી, ડેલી કોને કહેવાય, એ ય કેટલાને ખબર? બાળકોને રમવા બહુ છેટે જાવું ન પડે, ઘઇઢીયાઓ રાત્રે ખાટલા પાથરીને નીંદરૂં ખેંચે (જેથી નવ પરણેલાઓની ‘ઊંઘો’ ન બગડે!) સવારે તુલસી- ક્યારાના દર્શન થતા રહે ને મે’માન આવે ને સીધા ઘરમાં ગરી ન જાય, એ માટે ફળીયું દરેક મકાનનો શાહી હિસ્સો હતો. ડેલીની સાંકળ કોણ ખખડાવે છે, એ અવાજ માત્રથી ઘરની સ્ત્રીઓ પારખી જતી. (આજે કૉલ-બૅલની અંદર દોઢ ઇંચ આંગળી ઘોંચી દે, તો ય ઘરવાળી દરવાજો ન ખોલે... જાણતી હોય છે કે ગોરધન દસ મિનીટ મોડો આવ્યો છે ને મરવાનો થયો છે!)
આપણા દેશને વિશ્વસ્તરે પવિત્રતાના ધૂમ્મટ પર મૂકનારે ય આ જામનગર જ છે. દુનિયાના કોઇ શહેર કે ગામમાં સતત આજે એકઝેક્ટ ૧૭,૪૭૫ દિવસોથી નોન-સ્ટોપ રામઘૂન (કે તેમના જે કોઇ ભગવાન હોય!) વચમાં એક પણ દિવસ પડયા વિના ચાલતી નથી. વરસતા વરસાદમાં રાત્રે ત્રણ વાગે હું જાતે આ ઘૂન સાંભળવા જ નહિ, જોવા પણ ગયો હતો. પૂરી તન્મયતાથી કોઇ ૬-૭ ભક્તો ઘૂનમાં મગ્ન હતા.
ગુજરાતના એક ખૂણામાં પડી જવાને કારણે જામનગર એના સગા ભાઇ સમા રાજકોટ જેવું પૈસેટકે સમૃદ્ધ નહિ બન્યું હોય, પણ રજવાડી શહેરની શાન-ઓ-શૌકત હજી જામનગરમાં બરકરાર છે, જે રાજકોટે ગૂમાવી દીધી છે.
શહેરનું ચક્કર મારવા નીકળ્યા હો, તો એક ગાળ બેશક સાંભળવા મળશે ‘‘નવરીના’’
‘‘નવરીના...?’’ જામનગરનું કોઇપણ હોય, ઇલિટ ક્લાસના સંસ્કારી ‘માણસું’ હોય કે શહેરના જૂનાં ઘરોમાં રહેનારા, ભાગ્યે જ કોઇ અપવાદ વગર સહુના મોંઢે નામ કે સર્વનામની પાછળ ‘નો-ની-નું-ના’ આવે જ. બહારવાળું કોઇ સમજી નહિ શકે, પણ સુરતીઓની માફક જામનગરીઓની ગાળોમાં ક્યાંય ઇરાદો ગાળનો હોતો નથી. જનમથી જ જે પ્રજા ગધેડાના ‘ગ’ ને બદલે ગોલકીનો ‘ગ’ શીખી હોય, એ ‘ભોળુડીને’ ખબરે ય નથી, કે ‘‘આ.. જી બોયલાં, ઇ ગાઇળ કે’વાય.. !’’ (ગુજરાતીમાં અનુવાદઃ આ જે બોલ્યા, એ ગાળ કહેવાય!)
એટલે સુધી કે, નામોની ગાળો આ લોકો પાસે હવે ખૂટી પડી છે, એટલે સીધી ક્રિયાપદની ગાળો ય નવી નોટોની માફક ચલણમાં મૂકાઇ છે, ‘‘હવે હાલતીનો થા...’’ ...‘‘જરા ઊભીનો ’રે, ને...!!’’
બાકી અફ કોર્સ, તમારે સ્વીકારવું તો પડે જ કે, દુનિયાભરમાં જામનગર જેવી મીઠી ભાષા.. ફક્ત જામનગરીઓ પાસે જ સાંભળવા મળે. ‘‘અમે તો ‘કે ’દિના તમારી રાહું જોતા’તા, ભાઆ... ય, પણ તમે નો આઇવા.’’ (‘નો આઇવા’ એ તો ફક્ત મનગમતા માણસો માટે, બાકીનાને ‘તમે નો ગુડાણા...’’ એમ કહેવાય. આવા મહાનુભાવો માટે, ‘પાણી પીઘું’ ને બદલે ‘ઢીંચ્યુ’ જમવાને બદલે ‘ગળચ્યું’ બોલાય.
અમારો જામનગરવાળો તમારા વખાણ કરે છે કે વખોડે છે, એ જરા ઘ્યાન દઇને સાંભળવું પડે. રસ્તામાં તમને મને એટલે વહાલથી તમારા ખભે હાથ મૂકીને કહેે, ‘‘જોવો ભાઆ..ય.. ગામમાં તમારા હાટું ગમ્મે ઇ વાતું થાતી હોય.. બાકી આપણને તમારા માટે માન છે...!’’ (સમજ પડી કે, પંખો ચાલુ કરૂં?)
જામનગરે જગત પાસેથી શું લીઘું છે, એ તો ખબર નથી, પણ જગતને ગર્વ થાય એવા ઘણા માંધાતાઓ મારા શહેરે આપ્યા છે. ક્રિકેટરો રણજિતસંિહ, વિનુ માંકડ, સલીમ દુરાણી, હાલના જામબાપુ શત્રુશલ્યસંિહજી, અજય જાડેજા, રવીન્દ્ર જાડેજા, ફિલ્મી હસ્તીઓ સરદાર ચંદુલાલ શાહ, મેહતાબ (સોહરાબ મોદીના ઘેરથી!) સ્વ. રજનીબાળા અને હંિદી ફિલ્મોના પ્રસિદ્ધ સાઉન્ડ રેકોર્ડિસ્ટ ડી. ઓ. ભણસાલી, લેજન્ડરી ઉદ્યોગપતિ અને દાનવીરો સ્વ. હરજીવનદાસ બારદાનવાલા, સ્વ. એમ. પી. શાહ, એક સમયના સન્માન્નીય મંત્રી સ્વ. શ્રી વિનોદ શેઠ, હાઇકોર્ટના આદરપાત્ર જસ્ટિસ જે. એન. ભટ્ટ...
કોક કહેતું હતું કે, આ બધા લેજન્ડસ્‌ની સામે જામનગરની ભૂલ એક જ થઇ ગઇ.. એણે હાસ્યલેખક બહુ નબળો આપ્યો!

No comments: