Tuesday, February 1, 2011

નિવૃતિ

થયું છાપરૂં થોડુંક સફેદ ને
વયની થઈ ગઈ જો સાડી પુરી
બા અદબ, બા મુલાયઝા, હોંશિયાર
ઘડપણની આવી પુગી છે સવારી

વર્ષોના અનુભવમાં હું જે પામ્યો
થયું, લાવ કરૂં વ્હેંચવાની વૃત્તિ
તન, વાચા, પ્રજ્ઞા, બધું અકબંધ
પણ કાયદો કહે, બસ નિવૃતિ
પગાર બંધ, ને મળશે પેંશન
કેટલું ? ક્યારે ? એનું જ હવે ટેંશન

થઈ જે બચત, એટલી જ રહેશે
હવે તો ફક્ત, ઉંમર જ રહેશે
રોજ વાંચો છાપાના પ્રત્યેક પાના
સામાયિક, ચોપાનીયાનો કાઢો સાર
શોધી કાઢી કોઈ સમદુઃખિયાને
મારો બગીચામાં લાંબી લટાર

સમય તમારો બસ થાશે વેરી
કલાક થાયે મિનિટ એકસો બાર
જુઓ ટીવીની અગણિત સિરીયલો
તો પણ સમય ના થાશે પસાર

તન સાબુત, લઈ પંડની કાવડ
કરી લો શક્ય હોય એટલી જાત્રા
છે બલિહારી આ સદીના શ્રવણોની
કે અહીં તો વૃદ્ધાશ્રમો ઉભરાતા
થાયે સાર્થક નિવૃત્તિ, જો કરો
અન્યના કામ પ્રેમ, નિષ્ઠા ભાવે
” નવરા બેઠા સૌ નખ્ખોદ વાળે”
એવું તમને કહેવા કોઈ ના’વે

કવિશ્રી:- કિશોરભાઈ કણિયા
એમના પુસ્તક ‘સ્મરણ’ આધારિત

No comments: