Tuesday, February 1, 2011

મરીઝ

જીવવા જેવા હતા, એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી.



એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.



આજે આ કેમ સ્વર્ગમાં ગમતું નથી મને !
આવ્યા હશે કદાચ એ મારી કબર સુધી.



અલગારી તારું દિલ છે,ઉપાશક છે રૂપનો
તારા મરીઝ,કેવા અજબ રંગઢંગ છે

પ્રેમ એક જ છે સનાતન છે,અચલ છે ઓ મરીઝ
રૂપ છે લાચાર એને તો પ્રકારો જોઇએ છીએ

ભાષાની શી વિષાત છે,શબ્દોનું શું ગજું
આંસુઓ જે દરદ બતાવી નહીં શકે

બીજા બધા રસ્તાની માફક આ તારી ગલીનો રસ્તો છે
સમજાતું નથી કે ખાસ મને લાગે છે એ ન્યારો શા માટે?

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

ભેદ મારા છે – તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.

એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એક લાભની તક શોધે છે;
આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ?
આંસુમાં ગરીબોના નમક શોધે છે.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એક તું કે તારા હાથમાં દુનિયાની આબરૂ,
એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.

એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.

દુ:ખદર્દની તદબીર દિલાસા ન થયા,
નિષ્પ્રાણ પ્રયાસો કદી ઈચ્છા ન થયા;
વધતો નથી આભાસ હકીકતથી કદી,
સ્વપ્નાઓ કદી નીંદથી લાંબાં ન થયા.

જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.

બસ હવે મેં તમને મળવાની કડી સમજી લીધી,
કે આ દુનિયાને તમારાથી જુદી સમજી લીધી.
જીવવા જેવા હતા, એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

જીવે તો અહીં સૌ છે ન કર એના વિચાર,
જોવું છે એ કે છે જનમ કે અવતાર;
મયખાનામાં યે સાચા શરાબી છે જૂજ,
મસ્જિદમાં યે છે સાચાં નમાઝી બે-ચાર.

શ્રદ્ધાથી બધો ધર્મ વખોડું છું હું,
હાથે કરી તકદીરને તોડું છું હું;
માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.

-મરીઝ

No comments: