Friday, February 4, 2011

મને ગોકુળ કહે તો તને મારા સોગંદ

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ
મને મોરલી કહે, મોર પીછું કહે,
મને માધવ કહે તો તને મારા સાગંદ.


કેમ કરી આંસુને ઓળખશે ભાઈ,
હું તો પાણીમાં તરફડતી માછલી;
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટનાની
ખાલીખમ શ્રીફળની કાચલી;


જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.


વેણુંમાં ફરફરતા આદમ ને ઈવ જાણે,
સૂકેલા પાંદડાની જાળી:
ચપટી વગાડતાંમાં ઊડી ગઈ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.


મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે,
મને માણસ કહે તો તને મારા સોગંદ.


- હરીશ મિનાશ્રુ

No comments: