Tuesday, January 25, 2011

આપણને નહિ ફાવે

તમે મન મૂકી ને વરસો, ઝાપટું આપણને નહિ ફાવે,
અમે તો હેલી ના માણસ, માવઠું આપણને નહિ ફાવે.


કહો તો માછલી ની આંખ માં ડૂબકી દઈ આવું,
પણ છીછરું ખાબોચિયું આપણને નહિ ફાવે.


તું નહિ આવે તો, એ નહિ આવવું પણ ફાવશે
ઘરે આવીને, તારું પાછું જવું, આપણને નહિ ફાવે.


વફાદારી ની આ ધગધગતી તાપ્ણીઓ બુઝાવી દો,
સળગતું દિલ ને દઝાડતું કાળજું આપણને નહિ ફાવે,

તને ચાહું, ને તને ચાહનારા પણ ચાહું,
તું દિલ આપીદે પાછું, આ બધું આપણને નહિ ફાવે.

તમાચા ખાઈ લવ ગાંધીગીરી ના નામ પર
પણ આ પત્ની ને 'બા" સંબોધવું આપણને નહિ ફાવે.

"ખલીલ" અણગમતા ને ગમતો કરી લેવું નથી ગમતું
ભલે તમને બધા ને ગમે , આપણને નહિ ફાવે 


- ખલીલ ધનતેજવી



No comments: