Wednesday, January 26, 2011

ઉલ્લાસ સતત જાળવવા જેવો છે


ઉત્સવ ભલે ક્યારેક ક્યારેક આવે, ઉલ્લાસ સતત જાળવવા જેવો છે.

બે ઘડી બસ એમ જ માની લો કે મર્યાનાં ૧૦૦ વર્ષ પછી આપણો આત્મા ઉપર બેઠો-બેઠો પૃથ્વી પરનું જીવન જુએ તો એ શું વિચારે? એ કદાચ આવું વિચારે: ‘આહાહાહા, એક જમાનામાં હું પણ આ પૃથ્વી પર જીવતો હતો. આ મેદાનમાં રમતાંરમતાં ઘણી વાર ઘૂંટણ છોલેલાં. અમથેઅમથો પેલી ચુટકીના ઘર પાસેથી બાઈક પર દિવસમાં વીસ વાર આંટા મારતો. પછી, નોકરીમાં માથાકૂટ કરતો. દીકરી માંદી પડેલી ત્યારે સળંગ બે રાત જાગેલો. વહુ સાથે ક્યારેક ક્યારેક બાખડી પડતો. હોસ્પિટલમાં ખાસ્સી પીડા વેઠીને, ખૂબ પૈસા ખર્ચીને છેવટે મરેલો... ઠીક છે, જીવનમાં મુશ્કેલીઓ તો હતી, પણ મજા એ હતી કે ત્યારે હું જીવતો હતો.’ 

ભૂત-ભવિષ્યમાં પૃથ્વી પર જીવન હતું અને રહેશે પણ આ પૃથ્વી પર આપણું હોવું, જગતની ગતિવિધિનો એક હિસ્સો હોવું... આ જલસો જેવોતેવો નથી. માનવજીવનની એક મોટી કમબખ્ત કમનસીબી એ છે કે આ સુંદર ધરતી પર માણસ તરીકે હાજરાહજૂર હોવું એ કેટલી મોટી વાત છે, આ અવસર કેવો દુર્લભ છે એ બધું જિંદગી દરમિયાન આપણને ભાગ્યે જ સમજાતું હોય છે. કદાચ એટલે જ, જીવન નામના આ ઉત્સવને આપણે સરખી રીતે ઊજવી શકતા નથી.
અને કદાચ એટલે જ જીવનને ઊજવવા આપણને જરૂર પડે છે ઉત્સવોની. જન્માષ્ટમી અને ગણેશોત્સવ છેવટે શું છે? એ આપણને યાદ અપાવે છે કે મોજ કરો, નાચો-કૂદો-ગાઓ, ભેગા થાઓ, જલસા કરો, હંગામો કરો, જીવનને ઊજવો. કૃષ્ણનો જન્મદિવસ આપણે ઊજવીએ ત્યારે સાચું પૂછો તો કૃષ્ણ એક બહાનું હોય છે. અસલમાં આપણે આપણું જીવન જ ઊજવતા હોઈએ છીએ. 

વચ્ચે વચ્ચે જીવન ઊજવવાનું ભુલાઈ જાય ત્યારે લોકોને ફરીફરી જગાવવા, પેટાવવા માટે ડાહ્યા લોકોએ કેલેન્ડરમાં વચ્ચે વચ્ચે ઉત્સવો મૂકી આપ્યા છે. જિંદગી ઢસરડો બની રહે, જીવવાનો આનંદ ભુલાઈ જાય... ત્યાં આવી પડે એક ઉત્સવ. એ આપણી અંદર ઠંડા પડી રહેલા તણખાને ફૂંક મારીને ફરી તગતગતો કરી મૂકે છે અને આપણને ઝગમગતા કરી મૂકે છે.


એ હિસાબે, ઉત્સવોને સલામ... ઉત્સવો ઝિંદાબાદ! છતાં, એક વાત સમજવા જેવી છે કે જીવનને ઊજવવા માટે ઉત્સવની રાહ જોવી જરૂરી નથી. જન્માષ્ટમી જરૂર માણીએ અને પછી નોરતાં પણ જરૂર માણીએ, પરંતુ એ બેની વચ્ચેના સમયગાળામાં શું કરવાનું? મંજીરા વગાડવાના? હા, મંજીરા વગાડવાના. મંજીરા વગાડીને ભજન ગાવાં એ કંઈ જેવીતેવી ઊજવણી નથી. પ્રાર્થનામાં ઉલ્લાસ-ઉમળકો ભળે ત્યારે એ ભજન-કીર્તન-નર્તન બની જાય છે. પ્રાર્થના મૂગી છે. ભજનમાં છોળો છે, અને જીવનમાં છોળો ઉડાડવાનો એક પણ અવસર ચૂકવા જેવો નથી. 
ઓફિસમાં કોઈ નાનું કામ પણ સારી રીતે પૂરું કરી લીધા પછી બાજુવાળાને કહેવું કે ‘ચલ યાર, એક ચાય હોજજાય’ એ પણ જીવનની છોળ છે. આમ તો છોળો ચોમેર ઊડી રહી છે. સવાલ નજરનો છે. આ સૂર્યોદય અને સૂર્યાસ્તનો જ દાખલો લો. સૂરજ કેટલો રૂપાળો છે ને કેટલો હૂંફાળો છે એની તીવ્ર અનુભૂતિ થાય તો એ પણ અસ્તિત્વની ઊજવણી છે. ઊડતું પતંગિયું, ટ્રેનની વ્હીસલ, ફાફડાની સુગંધ... આ બધું શું ઉત્સવોથી કમ છે? નથી, પણ ખાટલે મોટી ખોડ એ છે કે આપણે આપણા એક ટચૂકડા જીવનના સંકુચિત વર્તૂળમાં એટલા ખૂંપેલા, ઊલઝેલા રહીએ છીએ કે જીવન જીવવાનું ભુલાઈ જાય છે. 

માન્યું કે જીવનમાં મોકાણો ઓછી નથી, પણ આ બધી મોકાણો રોકીરોકીને જીવનનો કેટલો હિસ્સો રોકે છે? થોડો જ. માણસ ૮૦ વર્ષ જીવે એમાં બહુ બહુ તો છ મહિના કે એક વર્ષ માંદો રહે છે. બાકીના સમયમાં તો એ તંદુરસ્ત હોય જ છે. સોહરાબુદ્દીન-અમીત શાહ પ્રકરણ ચગે ત્યારે દુ:ખ જરૂર થાય કે આ બધું માંડ્યું શું છે? પણ ઠીક છે, થોડી વાર દુ:ખી થઈ લેવાનું, પછી એ વાતે ધૂણીધૂણીને ગાંડા થોડું થવાય? એ જ રીતે, આર્થિક તંગી કનડતી હોય તો ઠીક છે, એમાંથી બહાર આવવા ઝઝૂમીએ, પણ લોહી પીતી ગરીબીને સતત લોહી પીવા દેવાનો, માથું કાણું કરવાનો મોકો શા માટે આપવો? ટૂંકમાં, આપણે મોકાણોને જેટલો મોકો આપીએ છીએ મગજ ચૂંથવાનો, એટલો અવસર આનંદને નથી આપતા, મગજને તરબતર કરવાનો. 

આપણા બધાની એક મોટી ખામી છે એ છે કે આપણે સુખથી તરત ટેવાઈ જઈને એને ભૂલી જઈએ છીએ, પણ મોકાણથી ટેવાઈ કરીને, વધારીને એમાં ખૂંપેલા રહીએ છીએ. છોડો યાર...બબાલો પડે ખાડામાં અને મોકાણો જાય મસાણમાં. લાઈફ ઇઝ ફેસ્ટિવલ. જીવન મતલબ સચ્ચિદાનંદ. અસ્તિત્વના આનંદને જાણવો-સંવેદવો-માણવો એનું નામ સચ્ચિદાનંદ. આવો ‘હોવાપણાંનો આનંદ’ ઉર્ફે જોય ઓફ બીઇંગને જે માણી શકે છે (જેમ કે બાળકો) એના માટે તો હર દિન હૈ દસહરા ઔર હર રાત હૈ દિવાલી! 

દીપક સોલિયા

No comments: