જિંદગીમાં એવીયે પળ આવશે
જ્યારે મરવાની ઉતાવળ આવશે.
ફૂલની ક્યારી કે બાવળ આવશે,
જે તમે વાવ્યું તે આગળ આવશે.
વૃક્ષ ધીરજના તમે વાવ્યા કરો,
આવશે ક્યારેક તો ફળ આવશે.
ઝગમગે છે સૂર્ય પેલે પાર પણ
વચ્ચે શંકાના વાદળ આવશે.
ઝાંઝવા પકડી નીચોવી જોઈ લે,
એક ઝરણું વહેતુ ખળખળ આવશે.
છેક છેલ્લે નીકળે અમૃત કદાચ
પહેલાં તો કેવળ હળાહળ આવશે.
ત્યાંજ રોકાઈ જવાનું મન થશે
એક એવું માર્ગમાં સ્થળ આવશે.
પથ્થરો વચ્ચે રહેવાનું મળ્યું
ક્યાંથી સ્પર્શાનંદ કોમળ આવશે
આ નવી હિજરતથી ગભરાઓ નહીં
જ્યાં જશો સાથે જ અંજળ આવશે.
' ખુલજા સિમસિમ ' મંત્ર ભૂલી જાવ તો
દ્વારમાં સંતાળેલી કળ આવશે.
ખુલ્લા હો કે બંધ, ઘરનાં બારણાં,
મૃત્યુ ખખળાવીને સાંકળ આવશે.
મૃત્યુની આદિલ કરો તૈયારીઓ
જીવવાનુ પણ મનોબળ આવશે.
No comments:
Post a Comment