હિંદુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશનું અદ્વિતીય મહત્વ છે. આ બુદ્ધિના દેવતા વિધ્નહર્તા છે. ગણેશ શબ્દનો અર્થ છે ગણોના સ્વામી. આપણા શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રીયો, પાંચ કર્મેન્દ્રીયો તથા ચાર અંત:કરણ છે તેમજ તેની પાછળ જે શક્તિઓ છે તેને જ ચૌદ દેવતા કહેવાય છે.
દેવતાઓના મૂળ પ્રેરક ભગવાન ગણેશજી છે. ગણપતિ બધા જ દેવતાઓમાં અગ્રસ્થાને છે. ભગવાન ગણેશજીના નામ અને સ્વરૂપ અલગ અલગ છે, પરંતુ વાસ્તુ અનુસાર ગણપતિના મહત્વને રેખાંક્તિ કરવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં ગણપતિની મૂર્તિ એક, બે, ત્રણ, ચાર અને પાંચ માથાવાળી મળી આવે છે.
આ જ રીતે ગણપતિજી ત્રણ દાંતવાળા પણ મળી આવે છે. ગણપતિજીની આંખો બે જ હોય છે, પરંતુ તંત્ર માર્ગ સંબંધી મૂર્તિઓમાં ત્રીજું નેત્ર પણ જોવા મળ્યું છે. ભગવાન ગણેશજીની મૂર્તિઓ બે, ચાર, આઠ અને સોળ હાથવાળી પણ જોવા મળી છે. ચૌદ પ્રકારની મહાવિધાઓના આધારે ચૌદ પ્રકારની ગણેશ પ્રતિમાઓના નિર્માણથી વાસ્તુજગતમાં અચરજ ફેલાઈ ગયું છે.
અહીં તે જ ચૌદ ગણપતિની પ્રતિમાઓના વાસ્તુશાસ્ત્રના આલોકમાં એક નજર નાંખીએ તો તેના મહત્વને દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ઘરમાં ગણપતિની મૂર્તિ મૂકવી ખૂબ જ શુભ છે
ગણેશજીને દુનિયાના બાર અલગ-અલગ દેશોમાં અલગ-અલગ સ્વરૂપમાં પૂજવામાં આવે છે પરંતુ દરેકમાં એક જ અનુભવ છે. સામાન્ય વાસ્તુ પ્રમાણે ગણપતિની મૂર્તિનો આગળનો ભાગ ખૂબ જ લાભદાયી છે તેમજ તેની પીઠનો ભાગ તેટલો જ દરિદ્ર છે.
ઘરમાં ગણપતિની એક મૂર્તિ ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પરંતુ એક કરતા વધારે મૂર્તિ અપશુકનિયાળ ગણાય છે, જેમાં અષ્ટમંગલ એક અપવાદ છે. સવા સાત ઇંચથી નવ ઇંચ સુધીના ગણપતિ શુભ ગણાય છે. ઉપરાંત પોણા બે ઈચના ગણપતિ અતિ ઉત્તમ છે. ગણપતિ નત્ય મુદ્રા કરતા સામાન્ય મુદ્રામાં શુભ ગણવામાં આવે છે. સુનીલ ઢબુવાલા, વાસ્તુ એક્સપર્ટ
૧૪ સમસ્યાના નિવારણ માટે જુદા જુદા શ્રીજી
સંતાનના ગણેશ : જે ઘરમાં સંતાનસુખ ન હોય ત્યાં ભગવાન ગણેશજીનાં ૧૦૦૮ નામોમાંની સંતાન ગણેશની મૂર્તિને સ્થાપિત કરવી જોઈએ. આવા યુગલે સંતાન ગણપતિની વિશિષ્ટ મંત્રપૂરિત પ્રતિમા (યથા સંતાન ગણપતેય નમ:, ગર્ભદો ધને નમ: , પુત્ર પૌત્રાયામ નમ: વગેરે મંત્રયુકત) પ્રતિમા દ્વાર પર લગાવવી, જેનું પ્રતિફળ સકારાત્મક હોય છે.
વિધ્નહર્તા ગણપતિ : નિર્હન્યાય નમ:, અવિનાય નમ: જેવા મંત્રોયુક્ત ગણેશજીની પ્રતીમા તેવા ઘરોમાં સ્થાપિત કરવી જોઈએ જેમાં ઝઘડા, કંકાસ, કલેશ, વિધ્ન, અશાંતિ, તણાવ વગેરે દુર્ગુણો ઉપસ્થિત હોય. પતિ પત્ની વરચે મનભેદ, બાળકોમાં અશાંતિનો દોષ મળી આવે, એવા ઘરના પ્રવેશ દ્વાર પર વિધ્નહર્તાની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.
વિદ્યાપ્રદાયક ગણપતિ : એવાં ઘરોમાં જયાં બાળકો ભણતા ન હોય કે ભણવાથી દૂર ભાગતાં હોય, વડીલોને માન ન આપતાં હોય, એવાં ઘરોના ગૃહસ્વામીએ વિધાપ્રદાયક ગણપતિને પોતાના ઘરના પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવા જોઈએ. આ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે સાથે જ્ઞાન રૂપાય નમ:, વિધા નિયાર્ય નમ:, વિધા ધનાય નમ: તેમજ જ્ઞાનમુદ્રાવતે નમ: જેવા મંત્રોનું ઉચ્ચારણ બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન કરે છે. આવી પ્રતિમા શુભમુહૂર્તમાં સ્થાપિત કરવાથી પરિણામ ઝડપી મળશે.
આનંદદાયક ગણપતિ : પરિવારમાં આનંદ, ખુશી, ઉત્સાહ તેમજ સુખ માટે આનંદદાય નમ:, સુમંગલમ સુમંગ લાય નમ: જેવા મંત્રોયુક્ત આનંદદાયક ગણપતિની પ્રતિમાને શુભ મુહૂર્તમાં ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.
વિજયસિદ્ધિ મોચન ગણપતિ : કોર્ટ કેસમાં જીત મેળવવા, શત્રુઓનો નાશ કરવા, પડોશીને શાંત કરવાના ઉદ્દેશથી લોકો પોતાના ઘરમાં વિજય સ્થિરાય નમ: જેવા મંત્રો વડે બાબા ગણપતિની સ્થાપના કરે છે.
ઋણમોચન ગણપતિ : જૂનું દેવું ચુકવી શકાતું ન હોય, ઘર પરિવારમાં દરિદ્રતા, દેવાનો તાંડવ હોય તેવી વ્યક્તિઓએ ઋણમોચન ગણપતિ, ઋણત્રય વિમોચનાય નમ: જેવા મંત્ર વડે ઉત્કિર્ણ કરાવીને ઘરમાં સ્થાપિત કરવા જોઈએ તેમજ તેમની દરરોજ વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ.
રોગનાશક ગણપતિ : કોઈ જૂનો રોગી હોય, જે દવા વડે પણ સારો થતો ન હોય તેવા પરિવારના લોકોએ માત્ર ‘મૃત્યુંજયાય નમ:’ શ્લોક વડે રોગનાશક ગણપતિની આરાધના કરવી.
નેતૃત્વ શક્તિ વિકાસ ગણપતિ : રાજનીતિક પરિવારમાં ઉરચપદ પ્રાપ્ત કરવા માટે લોકો ગણપતિના આ સ્વરૂપની આરાધના કરે છે. માત્ર ‘ગણાઘ્યક્ષાય નમ:, ગણનાયકાય નમ:, પ્રથમ પૂજયાયૈ નમ: ’ શ્લોકો વડે તેમની આરાધના કરવી.
સોપારી ગણપતિ : આઘ્યાત્મિક જ્ઞાનાર્જન હેતુ સોપારી ગણપતિની આરાધના કરવી.
શત્રુહંતા ગણપતિ : શત્રુઓનો નાશ કરવા માટે શત્રુહંતા ગણપતિની આરાધના કરવી જોઈએ. મૂર્તિકાર પ્રતિમા બનાવતી વખતે મૂર્તિને ક્રોધ મુદ્રામાં દેખાડે છે. કહેવાય છે કે જે વ્યક્તિ શત્રુહંતા ગણપતિની પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરીને ‘ઓમ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરે છે તેમનું કોઈ કશું જ બગાડી શકતું નથી.
ચિંતાનાશક ગણપતિ : જે ઘરોમાં તણાવ અને ચિંતા રહે છે એવા ઘરોમાં ચિંતાનાશક ગણપતિની પ્રતિમાને ‘ચિંતામણી ચર્વણલાલ સાથ નમ:’ જેવા મંત્રનું ઉચ્ચારણ કરાવીને સ્થાપિત કરવી જોઈએ.
સિદ્ધિદાયક ગણપતિ : કાર્યમાં સફળતા તેમજ સુખ સાધનોની પૂર્તિ માટે ‘સિદ્ધવેદાય નમ:, સિદ્ધિવિનાયકાય નમ:, સિદ્ધિપ્રદાયકાય નમ:’ જેવા મંત્રોયુક્ત સિદ્ધિદાયક ગણપતિને ઘરમાં લાવવા જોઈએ.
વિવાહ વિનાયક : જે પરિવારોમાં સંતાનોના વિવાહને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેવા પરિવારોમાં વિવાહ વિનાયકની મંત્રયુકત પ્રતિમાની સ્થાપના કરવાથી ધાર્યું ફળ મેળવી શકાય છે. આ પ્રતિમા પર ‘કામની કાન્તકાંશ્રયે નમ:, સકલ કામપ્રદાયકાય નમ:, કામદાય નમ:’ જેવા મંત્રોનો સંપૂટ લાગેલો છે.
ધનદાયક ગણપતિ : જે વ્યક્તિ ધનાઢય થવા માગતી હોય તેમણે ગણપતિજીના આ સ્વરૂપની મૂર્તિની વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ, જેથી કરીને તેમના ઘરોમાંથી દરિદ્રતાનો નાશ થાય છે અનેસુખ-સમૃદ્ધિ તેમજ શાંતિનું વાતાવરણ કાયમ થાય છે. ધનદાયક ગણપતિની પ્રતિમાની સાથે ‘શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, લક્ષાધીશ પ્રિયાય નમ:, કોટિધિશ્વરાય નમ:’ જેવા મંત્રોનું ઉચ્ચારણ થાય છે
No comments:
Post a Comment